સ્વામિનારાયણ મહામંત્ર..

Pramukhswami maharaj
Pu. Pramukhswami Maharaj

સ્વામિનારાયણ મહામંત્ર…”ૐ શ્રી સ્વામિનારાયણાય નમઃ” 

સદ્. શતાનંદસ્વામી કહે છે* —              

જીવ-પ્રાણી માત્રના ભગવાન “સ્વામિનારાયણ” છે. સ્વામી અને નારાયણ જુદા મંત્ર છે. તે બેને એક સ્વરૂપ આપી અને અવતારના અવતારી મહાપ્રભુએ પોતે જ શ્રીમુખે એ મંત્ર આપણને આપ્યો છે. સોરઠ દેશના જૂનાગઢ જિલ્લાનું ધોરાજી પાસેનું એક નાનું એવું ફણેણી (ફરેણી) ગામ. ત્યાં જગદ્ગુરૂ રામાનંદસ્વામીએ પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. દિવ્ય ધામમાં ગયા પછી ચૌદમાને દિવસે શ્રીહરિએ ત્યાં સભા કરી, ત્યારે મહાપ્રભુએ કહ્યું :-

  “હું આજે તમોને એક પ્રભાવશાળી મહામંત્ર આપીશ…”  
“હે ભકતજનો ! તમો હજારોની સંખ્યામાં છો. ભગવદીય છો. મને વહાલા છો. તમે બધા જુદા જુદા મંત્રનો જપ કરો છો. કોઇ કૃષ્ણ, કૃષ્ણ કહો છો તો કોઇ રામ, રામ કહો છો: કોઇ હરિ, કૃષ્ણ; તો કોઈ ગોપાલ, મુકુંદનું ભજન કરો છો. તે બહુ સારૂં છે. પણ, આજ તમને હું એક પ્રભાવશાળી મહામંત્ર આપું છું. વેદ પણ એ મંત્રની ઉપાસના કરે છે. તે મંત્ર છે — “સ્વામિનારાયણ”

તમે આજથી બધા આ વૈદિક મંત્ર, કે પરાત્પર પરબ્રહ્મના નામના મંત્રનો જપ કરજો.” 
     ત્યારે સભામાં બેઠેલા બધા ભકતજનોએ કહ્યું,” હવેથી અમે રાત-દિવસ ‘સ્વામિનારાયણ’ મંત્રનો જપ કરશું. વહાલામાં વહાલો મંત્ર છે ‘સ્વામિનારાયણ…’

 આ મહામંત્રના મહિમાનું આપણા પરમહંસોએ એક અદ્દભુત કીર્તન બનાવ્યું છે —

કીર્તન :-  
“સ્વામિનારાયણ નામ વહાલું લાગે સ્વામિનારાયણ નામ,
રાત-દિવસ મારા હૃદિયાની ભીતર; જપીશ આઠો જામ… વહાલું લાગે…
ભવજળ તરવા પાર ઊતરવા; ઠરવાનું છે મારે ઠામ …વહાલું લાગે…
સર્વોપરી શ્યામ છે, નરવીર નામ છે; સુંદર સુખડાનું ધામ… વહાલું લાગે…
નિષ્કુળાનંદના નાથને ભજતાં; વારે તેનું નહિ કામ… વહાલું લાગે…”

શ્રી “સ્વામિનારાયણ” મહામંત્ર ફણેણી ગામમાં જાહેર કર્યો, ભગવાને કહ્યું :- “હું એવું આધારરૂપી જહાજ તમારી પાસે મૂકું છું કે, જેના બાવડામાં તાકાત નથી, તપ કે સાધનાનું કોઇ સામર્થ્ય નથી, એવા ભકતો પણ સુખેથી ભવસાગર પાર થઇ જાય છે. આ મહામંત્રમાં ‘સ્વામી’ અને ‘નારાયણ’ એમ બે નામ છે. બન્ને નામના મંત્ર વેદમાં છે. ‘નારાયણ’ મંત્ર પણ વેદમાં છે અને ‘સ્વામિ’ મંત્ર પણ વેદમાં છે. શ્રીજી મહારાજે બે મંત્રને એક કર્યો; અને પ્રભાવશાળી મહામંત્ર બનાવ્યો.    

‘સ્વામી’ નામની ભાવના ‘નારાયણ’ સાથે જોડી મૂળમંત્ર તરફ પ્રભુએ વધારે ભાર આપ્યો.    

  ● અયોધ્યામાં રામનું પ્રાગટ્ય થયું, વશિષ્ઠ મુનિએ નામ રાખ્યું ‘રામ.’ આપણે બધાએ જપ કર્યો રામનો. ‘રામ’ નામ જપીને અનેક જીવો તરી ગયા. પથ્થર પણ ‘રામ’ નામથી તર્યા. પતિતને પણ તાર્યા.  

● મથુરામાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. ગંગાચાર્યજીએ નામ રાખ્યું ‘શ્રીકૃષ્ણ’. ગોપી અને ગોપ, બાળ વગેરે અનેક ભકતજનો, તેમજ આખું ગોકુળ, વૃંદાવન અને આખી દુનિયાએ ‘કૃષ્ણ’નો જપ કર્યો. અનેક તરી ગયા, અનેકનો ઉદ્ધાર થયો.  

છપૈયામાં ‘ઘનશ્યામ’નું પ્રાગટ્ય થયું. માર્કંડેય ઋષિએ નામ રાખ્યું ‘હરિ’, ‘કૃષ્ણ’ અને ‘હરિકૃષ્ણ.’ હરિકૃષ્ણનું નામ જપાવવું હોત તો શ્રીજીમહારાજ જપાવી શકત. પણ નારાયણ મંત્ર તરફ, મૂળ મંત્ર તરફ પ્રભુએ ઘણી ભાવના આપી અને સૌનેે *”સ્વામિનારાયણ”* નામ જપવાનું જાહેર કર્યું.  

[jetpack_subscription_form show_only_email_and_button=”true” custom_background_button_color=”undefined” custom_text_button_color=”undefined” submit_button_text=”Subscribe” submit_button_classes=”undefined” show_subscribers_total=”false” ]

  પરાત્પર નારાયણના નામનો ઉચ્ચાર ગૌણ થયો હતો. સ્વામી એટલે સર્વે બ્રહ્માંડનો માલિક. આખા જગતનો; કહેતાં અનંત કોટિ બ્રહ્માંડોનો એક જ ધણી; અને તે છે ‘નારાયણ…’
……..’નારાયણ’ તો ઘણાને કહેવાય…
વિરાટને પણ ‘નારાયણ’ કહેવાય,
સૂર્યને પણ ‘નારાયણ’ કહેવાય,
આ ધરતીને ધરી રહેલા શેષજીને પણ ‘નારાયણ’ કહેવાય,
લક્ષ્મીજીની સાથે હોય ત્યારે ‘લક્ષ્મીનારાયણ’ કહેવાય…;              

પણ, શ્રેષ્ઠતા તો એ છે કે,  “પ્રભુ” સર્વેના સ્વામી છે. એનો કોઇ સ્વામી નહિ, એ બધાયના સ્વામી છે.

“સ્વામિનારાયણ” નામ છે એ મણિ છે…

swaminarayan mantra


             ભાગવતજીમાં કથા છે કે — “સત્રાજિતે તપશ્ચર્યા કરી ને સૂર્યનારાયણ રાજી થયા ત્યારે સ્વયંતક મણિ સૂર્યનારાયણે સત્રાજિત જાદવને આપ્યો. એ સ્વયંતક મણિનો પ્રભાવ કેટલો..? તો, એ મણિ જેની પાસે હોય ત્યાં કયારેય દુષ્કાળ ન પડે, રોગચાળો ન થાય. એ મણિ જયાં હોય ત્યાં કાળા સર્પો આવી શકે નહિ. એ સ્વયંતક મણિ જયાં હોય ત્યાં દુષ્ટ માયાવી શક્તિનો પ્રવેશ ન થાય. એ મણિ રોજ ૮૦ ભાર મણ સોનું આપે.”

 
swaminarayan
 
ભગવાનનું નામ છે એ પણ ‘મણિ’ છે. આ “સ્વામિનારાયણ” નામના મહામંત્રનો કાયમ જપ કરે તો એને ખોટા વિચાર ન આવે. આ મંત્રમણિને સદાય જીભ ઉપર રાખે તો એ અમર બની જાય, જન્મ-મરણનો રોગ મટી જાય. આ મંત્રમણિ જયાં હોય ત્યાં અજ્ઞાનરૂપી અંધારૂં ગાયબ થઇ જાય. આ મંત્રમણિ જયાં હોય ત્યાં દુષ્ટ માયાવી શક્તિ કામ, ક્રોધ, લોભ આદિક અધર્મસર્ગ આવી ન શકે. આ મંત્રમણિ પ્રભાવશાળી છે.
 
હવે એનો પ્રભાવ શું છે એ તમને હું સમજાવું છું…
 
           પહેલી વાત એ છે કે, સીધી પરમાત્મા સાથે વાતચીત કરાવી આપે. પણ એક શરત, વૃત્તિરૂપી લાઇન બગડેલી ન હોવી જોઇએ. લાઇન ક્લિયર હોવી જોઇએ, વૃત્તિરૂપી લાઇન બરાબર પ્રભુમાં જ સતત પરોવાયેલી હોય તો જ લાઇન ક્લિયર થાય. લાઇન ક્લિયર હોય તો જ તમે ટેલિફોન દ્વારા વાત કરી શકો. ભલેને દૂર દેશમાં હોય….! પણ લાઇન ક્લિયર જોઇએ. પછી યુગાન્ડા હોય કે કેન્યા હોય, અરેબિયા હોય કે ઇન્ડિયા હોય, અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, જયાં ફોન કરો ત્યાં તેની સાથે વાતચીત કરી શકો, પણ શરત એક જ – લાઇન ક્લિયર હોવી જોઇએ. તેમ વૃત્તિરૂપી લાઇન સાવ ચોખ્ખી હોય, કોઇ ગડબડાટ કે ડખ્ખો ન હોય તો પ્રભુ સાથે વાત કરી શકો.
 
હવે આપણને એમ થાય કે કોઇએ વાત કરી છે ખરી…!!!??? તો, “હા….”
 
 
★ દ્રૌપદીજીએ કેશવ સાથે વાત કરી કે – “હે કૃષ્ણ ! જલ્દી પધારો ! મારી લાજ જાય છે.” પ્રભુને ચોખ્ખી વૃત્તિરૂપી દોરીથી પોકાર્યા તો પ્રભુ આવ્યા અને ૯૯૯ સાડીના થપ્પા મૂકી દીધા. લાઇન ક્લિયર છે તેથી પ્રભુ સાંભળી ગયા..
 
★ જીવુબાએ ભગવાનને પોકાર્યા, “દૂધ પી જાઓ, નહિતર મારા બાપુ મને મારશે…” તો, તરત આવ્યા ને દૂધ પી ગયા.
 
★ દાદાખાચરે પ્રભુવિયોગમાં પ્રભુને પોકાર્યા તો સાદ સાંભળી ગયા અને ફૂલના હાર પહેરાવીને કહ્યું, “દાદા ! હું કયાંય ગયો નથી. તમારી સાથે જ છું. તમે ચિંતા ન કરો.”
 
★ સંત સખુબાઇને પૂરી મૂકયાં ઓરડામાં, તો લાઇન ક્લિયર હતી તો વૃત્તિ દ્વારા ભગવાન સાદ સાંભળી ગયા, તરત દોડતા આવ્યા. “સખુ ! ચિંતા ન કર. હું આવી ગયો છું. તું યાત્રા કરવા જા…, હું તારા સાટે ઘરનું બધું જ કામ કરીશ…” 
 
           આવા તો અનેકના સાદ ભગવાને સાંભળ્યા છે, ને વર્તમાનકાળે પણ સાંભળે છે. પણ શરત એક જ છે કે વૃત્તિરૂપી લાઇન આપણી ક્લિયર હોવી જોઇએ. વૃત્તિમાં કામ, ક્રોધ, લોભ, માન, મોટાઇ, ઇર્ષા, અદેખાઇ, વેર, ઝેર, છળ, કપટ એ બધો કચરો ન હોવો જોઇએ. લાઇન બગડેલી હોય તો કાંઇ ન સંભળાય. આપણે કોઈને ફૉન કરતા હોઈએ ને ખોટો અવાજ કે ડખો થાય તો કંટાળીને ફોન રાખી દઇએ. એમ આપણે જો ભગવાન સાથે વાત કરવી હોય તો વૃત્તિરૂપી લાઇન ક્લિયર રાખવી પડશે. લાઇનને ક્લિયર કરવા માટે આ “સ્વામિનારાયણ” મંત્ર છે.
 
           રાત-દિવસ મારું, તારું બધું મૂકીને “સ્વામિનારાયણ” “સ્વામિનારાયણ” જપ્યા કરો, તો હૃદય ચોખ્ખું થાશે અને ભગવાન સાથે વાત કરાશે. આપણા ઘણા સંતો ભગવાન સાથે વાતો કરે છે. નામરટણથી તરત પરમાત્મા મળે છે. આ સાધન સીધું, સરળ અને સાદું છે. સરળ હોવાં છતાં સર્વોપરી છે. આ મંત્ર સાંભળીને યમદૂતો ધ્રુજી જાય છે. એટલે જ કહેવાયું છે ને કે —
 
સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે,
     શ્રવણે સુણતાં કંપે દિનકર દૂત જો,
ભવનાં બંધન કાપી સદા સુખિયા કરે,
     શું કહી દાખું મહિમા અતિ અદ્દભુત જો.
                સ્વામિનારાયણ…
 
           જે માણસે આ જીવનમાં પાપ જ કર્યાં હોય, કોઇ સત્કાર્ય ન કર્યું હોય, એવો પાપી મનુષ્ય, મરણપથારીએ પડ્યો હોય, અને હમણાં જ પ્રાણપંખેરૂં ઊડી જશે, આવી સ્થિતિ હોય…, અને એ સમયે એના ખાટલાની આજુબાજુ જો બેસીને “સ્વામિનારાયણ” મહામંત્રનો જપ કરે તો ગમે તેવો પાપી હોય, છતાંય તાકાત નથી કે જમદૂત એને અડી શકે. એવો “સ્વામિનારાયણ” નામનો પ્રભાવ છે.
 
           પ્રભુના નામના જાપ કરવાથી ભૂત, પ્રેત, પિશાચ, ડાકણી, રાક્ષસ, ગ્રહ કે પનોતી વગેરે ઉપદ્રવ એને નડતા નથી. એવો અજબ-ગજબનો ભગવાનના નામના આ મહામંત્રમાં પ્રતાપ છે.
 
           આ કથા જે કોઇ સાંભળે છે, સંભળાવે છે, તેનું હૃદય ગંગાજળ જેવું પવિત્ર થાય છે. મનની ચંચળતા દૂર થાય છે. ધન, યશની પ્રાપ્તિ થાય છે અને અંતે ઉત્તમ ગતિને પામે છે.
 
           આટલો આ મહામંત્રનો માહિમગાન કરી સદ્. શતાનંદ સ્વામી અક્ષરાધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વંદન કરે છે.
 

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap