ભકતવત્સલ હરિ બિરુદ તિહારો

Yogiji maharaj
Yogiji maharaj with Pramukhswami
Advertisement

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૮-જુલાઇ-૧૯૬૮, જૂનાગઢ

ભકતવત્સલ હરિ બિરુદ તિહારો

બપોરે ઓરડામાં બધા સંતો સાથે બેઠા હતા. પ્રમુખસ્વામી પણ બાજુમાં હતા. વરસાદ કયાં કયાં કેટલો કેટલો પડ્યો તે સંબંધી વાત પૂછી. નિર્ગુણ સ્વામીને કહે : ‘મહારાજના પગ પકડી પ્રાર્થના કરો કે વરસાદ વરસાવે. ઈશ્વર સ્વામી ! તમે કરો.’ પછી સ્વામીશ્રી જાતે જ કહેવા લાગ્યા : ‘નર્મદા ઉપર ડેમ બંધાઈ જાય તો સારું. તો ગુજરાતને પાણી મળે ? વડોદરાને મળે ?’

‘કચ્છ સુધી મળે.’ સંતોએ કહ્યું.

‘કેમ નથી થતો ?’

પ્રમુખસ્વામી કહે : ‘મધ્યપ્રદેશવાળા ના પાડે છે.’

‘કેમ ના પાડે છે ? તેમની કયાં નદી છે ? નદી તો ભરૂચ આગળથી જાય છે.’ સ્વામીશ્રી કહેવા લાગ્યા :

‘સરકાર બાપાએ (અંગ્રેજોએ) આવું કાંઈ ન કર્યું ? એમણે કઈ કરેલું ? હવે સરકાર બાપા છે કે ગયા ? લંડનમાં બેઠાં બેઠાં શું કરે છે ?’

સ્વામીશ્રીને અંગ્રેજ સરકારમાં વિશ્વાસ કે એ જ આ બધું કરી શકે !

પછી કહે : ‘ડાંગરામાં ડેમ બાંધે તો સારું. ગોંડલી ઉપર બાંધે તો સારું. સારંગપુર ફ્લ્ગુ ઉપર બાંધે તો સારું… આ બધું કોના હાથમાં? મોરારજી બાપાના હાથમાં છે ? કે હિતેન્દ્ર દેસાઈના હાથમાં છે ? ટાઢા બહુ… એટલે ન કરી શકે. પચાસ લાખ સોનીને ઠેકાણે પાડ્યા…’ (સુવર્ણ ધારો લાવી મોરારજી દેસાઈએ સોનીઓને બેકાર બનાવ્યા તે અનુસંધાનમાં બોલ્યા). સ્વામીશ્રી આમ બોલ્યે જતા હતા.

‘સોનીનો ધંધો તો ચાલે છે.’ સંતોએ કહ્યું.

‘નાથાલાલનું કયાં હાલે છે?!’ સ્વામીશ્રીએ પોતાના ભકતની ચિંતા કરી.

રાજકોટના નાથાલાલ સોની સ્વામીશ્રીના નિષ્ઠાવાન ભકત. પોતાના એક એક ભકતનો, નાનામાં નાના ભકતનો સ્વામીશ્રીને કેટલો ખ્યાલ છે, તે તેમના યોગ-ક્ષેમની કેટલી ચિંતા કરે છે, તે આવા પ્રસંગે જણાય. કદાચ હજારો ભકતોના સમુદાયમાં નાથાલાલ સોનીને સ્વામીશ્રી કયારેક મળે અથવા ન પણ મળે, બોલાવે અથવા ન પણ બોલાવી શકે; પણ એ નાથાલાલ સોની અને એવા બીજા નિષ્ઠાવાન હજારો ભકત્તો સ્વામીશ્રીના હૃદયમાં કેવા અંકિત થઈ ગયા છે ને સ્વામીશ્રી પોતાના ભકતની વત્સલહૃદયે કેવી ચિંતા કરે છે!

BAPS
Pramukhswami with mahant swami

બીજા આવા પ્રેરણાદાયી પ્રસંગો માટે અહીં ક્લિક કરો.

જય સ્વામિનારાયણ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap